મારા વિષે

નામ : યોગેશ મધુસૂદન વૈદ્ય

જન્મ:  સાતલ્લીને કાંઠે ઊભું ગામ –બગસરા (મેઘાણીનું).

મૂળ વતન :  ગિરનારની ગોદમાં ગરવું ગામ –જૂનાગઢ.

રહેવાસી :    સોમનાથનાં સાંનિધ્યમાં દરિયા સાથે ઘુઘવાટો કરતા ગામ–વેરાવળનો

વ્યવસાયે સીવીલ એન્જીનીયર (જી.એચ.સી.એલ. લીમીટેડ –સુત્રાપાડામાં ડી.જી.એમ.)

મોસાળના ગામ બગસરામાં કવિતાના બીજ રોપાયા. વેરાવળમાં કવિ લાભશંકર દવે ,શશિકાંત ભટ્ટ’શૈશવ’ ,’સાહિલ’  તથા જનક દવેનાં સાનિધ્યે કવિતાની સમજને અણિ કાઢી આપવામાં મહત્વનું કામ કર્યું. ‘નિસ્યંદન’ના સાઇક્લોસ્ટાઈલ અવતારનાં પ્રકાશનમાં/સંપાદનમાં ઉત્સાહભેર ભાગ લીધો.

દરિયાએ મારા ગામ વેરાવળને જ નહીં ,મારા મનોજગતને પણ ઘેરો ઘાલ્યો છે. દરિયો મારા રક્તમાં,મારા શ્વાસોશ્વાસમાં એકાકાર થઈ ગયો છે. મારા કાવ્યસંગ્રહનું શીષર્ક –‘હું જ દરિયો ,હું જ ભેખડ’ .

સર્જન પ્રત્યેનો અભિગમ-

નાનો હતો ત્યારે દરિયાનાં મોજાંઓને રોકી રાખવા  કિનારે રેતીના કિલ્લા બનાવતો અને પછીતેને દૂરથી જોતો રહેતો. દરિયાનાં  એક પછી એક મોજાં  આવે અને તેની થપાટો મેં ચાણેલા કિલ્લાને મિટાવી દે. એ દરમ્યાન થોડી પળો માટે પણ પેલો કિલ્લો દરિયાની કરડાકી  સામે ગૌરવભેર ટકી રહેતો અને હું આનંદ આનંદ થઈ જતો. દરિયાની કરડાકી સામે થોડી વાર પણ ટકી રહેવાનો આનંદ અને  આ કવિતા સર્જનનો આનંદ બન્ને સરખા….કવિ પોતાનાં શબ્દના બળે મહાકાળ સામે ટકી રહેવાની બાલીશ પણ હિંમતભેર કોશિષ કરતો હોય છે.

કાવ્યસંગ્રહનાં પ્રકાશન પછી ૧૫-૧૭ વર્ષ માટે સર્જન યાત્રામાં લાંબું અલ્પવિરામ આવ્યું તે છેક હમણાં ‘નિસ્યંદન’ને ૨૪ વર્ષે ઈ-ફોર્મેટમાં ફરી શરુ કર્યું ત્યારે અનુસંધાન થયું.

જી.એચ.સી.એલ. લીમીટેડની જવાબદારી વાળી ફરજ બજાવતા બજાવતા ‘નિસ્યંદન’ના પ્રકાશનનું /સંપાદન નું બીડું ઉપાડ્યું છે.

હાલતો વેરાવળના દરિયાકિનારે સાચૂકલાં શબ્દો વીણવા નીકળ્યો છું…

મારું પ્રગટ સરનામું :

યોગેશ વૈદ્ય , ‘હ્રદય કુંજ’ યોગેશ્વર સોસાયટી , ૬૦ ફૂટ રોડ, રાજ ડેરી પાસે, વેરાવળ – ૩૬૨ ૨૬૬. ગુજરાત.

મેઈલ : mryogi62@gmail.com

ફોન : 9099093023