• ‘નિસ્યંદન’ : Journey so far

  Posted on January 22, 2013 by Yogesh Vaidya in આપણો સંવાદ.

  ‘નિસ્યંદન’ના લોકાર્પણ સમયે આપેલ વક્તવ્ય 

   આજના દિવસે જ્યારે નિસ્યંદનતેની યાત્રાના ત્રીજા તબક્કાને શરૂ કરવા જઈ રહ્યું છે ત્યારે જરા પાછળ જોઇ કેટલીક ઘટનાઓની વિગતે નોંધ લઈ લેવાનું યોગ્ય લાગે છે.

  પ્રથમ તબક્કો

  વર્ષ ૧૯૭૮, સ્થળ- સૌરાષ્ટ્રના સાગર કાંઠાનું ગામ વેરાવળ.

   પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જનક દવે યુવક વિકાસ સંસ્થા દ્વારા આયોજિત સાહિત્યિક શિબિરોમાં શિબિરાર્થી તરીકે જાય. ત્યાં મૂર્ધન્ય સાહિત્યકારો તથા નવોદિત શિબિરાર્થીઓના સંપર્કથી મૂળે નવલકથા ના માણસ જનક દવેમાં કવિતા પ્રત્યે પણ અનુરાગ જાગે છે. વેરાવળ જેવા છેવાડાના ગામમાં રહીને સાહિત્યિક સંપર્કો જાળવી રાખવા દુષ્કર હોઈ જનકભાઇ શરૂઆતમાં સંપર્કસૂત્રના રૂપમાં પોસ્ટકાર્ડ પર સામયિક શરૂ કરે છે નામ આપે છે નિસ્યંદન’.

   નિસ્યંદનને શરૂ કરવાના અન્ય કારણમાં ક્યાંક વાંચેલી કાવ્યપંક્તિ આવળ, બાવળ અને વેરાવળમાં રહેલી માર્મિક ચોટ સામે એક સંવેદનશીલ વેરાવળી તરીકેની કુમળી પ્રતિક્રિયા પણ ખરી.

   બહાર ગામથી ટ્રાન્સફર થઈને વેરાવળ આવી વસેલ બે અન્ય સાહિત્યિક મિત્રો કવિ રસિક દવે તથા વસંત રાવળ ગિરનારીસાથે જનકભાઇની રોજની સાહિત્યિક ગોષ્ઠી. જનકભાઇના ઘરના ફળિયામાં જામતી આવી ગોષ્ઠીમાં જૂન મહિના ની એક ઢળતી સાંજે જનક દવે નિસ્યંદન’  તેના નવા સાઇક્લોસ્ટાઇલ સ્વરૂપમાં લાવી મૂકે છે. મિત્રો આ સાહસને વધાવી લે છે. સાંજની ગોષ્ઠીઓ વધુ કાવ્યમય બનતી જાય છે. નિસ્યંદન’  વિકસતું જાય છે. તે સમયે વેરાવળમાં વસતા ગઝલકાર મહેન્દ્ર સમીર’, લાભશંકર દવે, કવિ કેનાથ પાઠક સમેત કવિ કરશનદાસ લુહાર સરીખા બહાર ગામના કવિઓ/ સાહિત્યકારોનો યથાયોગ્ય સહકાર નિસ્યંદનને મળી રહે છે. સાઇક્લોસ્ટાઇલ નિસ્યંદન’  ૫૦ કોપી થી શરૂ થઇ કવિ  રસિક દવેના સુંદર હસ્તાક્ષરના સથવારે ૧૦૦ કોપી સુધી પહોંચે છે.

   ખૂબ જ પાંખા સંશાધન સાથે શરૂ થયેલ નિસ્યંદન’  જનક દવેની મૂકનિષ્ઠા , રસિક દવે તથા વસંત રાવળ ગિરનારીની સાહિત્ય પ્રીતિ, સૂઝબૂઝ અને સાહિત્યિક મિત્રોના પ્રેરક પ્રોત્સાહનથી બે વર્ષ પૂરા કરી પોતાની યાત્રાની પ્રથમ અલ્પવિરામ પાસે આવીને ઊભું રહી જાય છે.

  દ્વિતીય તબક્કો

   વર્ષ ૧૯૮૮ સ્થળ- વેરાવળ

  મૂળ ભાવનગર ના કવિ શશિકાંત ભટ્ટ શૈશવનો જનક દવે સાથે સાહિત્યિક સંપર્ક. કવિ લાભશંકર દવે તથા કવિ અબ્બાસ મલીક પોશીદાની સાથે વેરાવળમાં કાવ્યગોષ્ઠીઓ જામે. તેમાં ગઝલકાર સાહિલનો પ્રવેશ થયો. મંડળી જામી. કવિતાનો કક્કો શીખતો હું પણ તેમાં ભળ્યો. સાહિત્ય અને સંગીત માટે મંગળવારીય મિલનસભા શરૂ કરવામાં આવી અને નિસ્યંદનને ફરી શરૂ કરવાનો તખ્તો ગોઠવાયો. ૧ માર્ચ ૧૯૮૮ના રોજ નિસ્યંદનનો તેની દ્વિતીયયાત્રાનો પ્રથમ અંક સાહિત્યસંગમ વેરાવળના ઉપક્રમે પ્રગટ થયો.

   નિસ્યંદનએ સાઇક્લોસ્ટાઇલ / લઘુ સામયિક હોવા છતાંય ગુજરાતના પ્રથમ હરોળના કવિઓની કૃતિઓ તેમાં પ્રગટ થવા લાગી. નિસ્યંદનનું સંપાદકીય સ્તર ઠેર ઠેરથી પોંખાવા લાગ્યું. નિસ્યંદનને રમેશ પારેખ, હરીન્દ્ર દવે , વિનોદ જોષી, ગુલાબદાસ બ્રોકર જેવા મૂર્ધન્ય સાહિત્યકારોની પ્રેમવર્ષાનું હકદાર બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. બે વર્ષના નાના ગાળામાંજ નિસ્યંદનેનોંધપાત્ર કાઠું કાઢ્યું. નાઝિરદેખૈયા સ્મૃતિ વિશેષાંક , વર્ષાકાવ્ય વિશેષાંક, કવયીત્રિ વિશેષાંક, ઉમાશંકર જોષી સ્મૃતિ વિશેષાંક તથા કવિઓના જ હસ્તાક્ષર માં કાવ્યોનો  વિશેષાંક સરખાં વિવિધ અંકો ખૂબજ વખાણાયા, ચર્ચાયા. મુંબઈ સમાચાર’, કલકત્તાથી પ્રગટ થતાં નવરોઝસમેત ઘણા સામયિકો, પત્રિકાઓ, પત્રોમાં તેની સુપેરે નોંધ લેવાઈ.

   આવળ,બાવળ અને વેરાવળવાળા વેરાવળ મા સાહિત્યિક આબોહવા જામી. મંગળવારીય મિલનસભાએ ગની દહીવાલા, ’શૂન્યપાલનપુરી. નાઝિરદેખૈયા તથા મહેન્દ્ર સમીરને શ્રદ્ધાંજલિ આપતા સંગીતમય કાર્યક્રમો યોજ્યા. સ્થાનિક સંગીતકાર/સંગીતજ્ઞ ટપુ દાદા, ટેવાણી સાહેબ, દામજીભાઈ બારમેડા, ચાવડા સાહેબ, નવીનભાઈ થાનકી, શ્રીમાંકર સાહેબ વગેરે ઉમળકાભેર કાર્યક્રમમાં ભાગ લેતા થયા. ઘણા સાહિત્યપ્રેમીઓ/કલાપ્રેમીઓને એક મિલન સ્થળ મળ્યું. બહારના સાહિત્યકારો/કલાકારો માટે વેરાવળમાં ઉતારો કરવાનું એક ઠેકાણું બન્યું. વારંવાર કાવ્યસભાઓ યોજાવા લાગી, કલાને ખાતર શરૂ થયેલા વ્યક્તિગત સંપર્કો કૌટુંબિક સંબંધોમાં પરિણમવા લાગ્યા.

  નિસ્યંદનનો આ સુવર્ણકાળ હતો એમ કહી શકાય. શશિકાંત ભટ્ટ શૈશવની આગેવાની, જનક દવેની મૂકનિષ્ઠા, ’સાહિલસાહેબનું ગંભીર પીઠબળ, લાભશંકર દવેનો ગઝલમય છાંયડો, અબ્બાસ મલીક પોશીદાની કલાદ્રષ્ટિ, ’યક્ષમેર, લલીત લાડવા તથા ગોહેલ સાહેબની ચિત્રકળા તથા રાજેશ સોલંકી અને નરેન્દ્ર પી વ્યાસના સુંદર હસ્તાક્ષરોએ નિસ્યંદનને વધુ ને વધુ નિખાર્યું.

   નિસ્યંદનની સંપાદકીય ગોષ્ઠીઓ વધુ ને વધુ રસપ્રદ થવા લાગી. આ બધા વચ્ચે મને પણ મારી કાવ્ય સમજને અણી કાઢવાનો મોકો મળ્યો. નિસ્યંદનનું સહ સંપાદન પણ હોંશભેર સંભાળ્યું. પરંતુ ફરીથી નિસ્યંદનની નિયતિ એ યુ ટર્નલીધો. સુવર્ણકાળમાં જ નિસ્યંદનને બે વર્ષ પછી બંધ કરવું પડ્યું. નિસ્યંદનબંધ કરવાના કારણોમાં પ્રથમ નિસ્યંદનમાટે મળતી કવિતાઓનું કથળતું જતું સ્તર જે સંપાદક મંડળને સ્વીકાર્ય નહોતું. બીજુ કારણ ૫૦૦ થી વધુ કોપીઓને છાપવા / પ્રગટ કરવામાં લાગતો શારીરિક તથા આર્થિક થાક. નિસ્યંદનનિ:શુલ્ક જ સર્વને મોકલાતું. પોસ્ટેજ સ્ટેમ્પ મોકલાવવાની અપીલોને પણ યોગ્ય પ્રતિસાદ ન મળ્યો. ( નિસ્યંદનચાલુ રાખવાના પોરસ ચડાવતા પત્રો જરૂર મળ્યા ! ) ભારે હ્રદયે નિસ્યંદનને બંધ કરવું પડ્યું. ત્યાર પછીના વર્ષોમાં ક્યારેક ક્યારેક કોઈ વાચકો ચાહકો દ્વારા તથા લઘુ સામયિકો પર સંશોધન કરતા સુજ્ઞ સાહિત્યકારો દ્વારા પૂછપરછ થતી રહી.

  ત્રીજો તબક્કો

   ૧ માર્ચ ૨૦૧૨, વેરાવળ. ૨૪ વર્ષ પછી નિસ્યંદનને શરૂ કરવાનો વિચાર આવ્યો. જૂનાગઢના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન દરમિયાન તેને નક્કર રૂપ આપવાની પ્રક્રિયા શરૂ થઇ. વીતેલા ૨૪ વર્ષ દરમિયાન સમયે તેનું કામ કરી લીધું છે. નિસ્યંદનના દ્વિતીય તબક્કા માં હોંશભેર કામ કરતો છેલ બટાઉ જેવો આ લખનાર આજે ૫૦ વર્ષનો થઇ ગયો છે. વેરાવળનું સાહિત્યિક વાતાવરણ તથા સાહિત્યિક સંપર્કો ઓસરી ગયા છે. છતાંય જનક દવે, શશિકાંત ભટ્ટ શૈશવતથા સાહીલસાહેબનો હમેંશ જેવો જ તરોતાજા સધિયારો છે. હાર્દિક ભટ્ટનો તથા દિનેશ વાઘેલાનો વીજાણુ સહયોગ રહેવાનો છે. કવિ જિતુ પુરોહિતની સાહિત્યિક સૂઝ પણ સાથે ઊભી છે. નિસ્યંદનસાથેની એક અનામ લાગણીથી પ્રેરાઈને આગળ વધી રહ્યો છું. આ કર્તવ્ય ભાવનાનો ભાર કે કંઈક કરી રહ્યાનો મિથ્યા અહોભાવ નથી. ગુજરાતભરમાં નિસ્યંદનસરીખા અસંખ્ય લઘુ સામયિકો પ્રગટ થયાં છે, પ્રગટ થાય છે, પ્રગટ થતાં રહેશે. કદાચ નિસ્યંદનઅને મારા માટે આજનો દિવસ નિર્મિત હશે એટલું જ. પાછલા વર્ષોમાં પ્રકાશનક્ષેત્રે ઘણા આયામ બદલાઈ ગયા છે. વીજાણુ માધ્યમનો વિકાસ, બદલાયેલી મુદ્રણપ્રક્રિયા અને ઇન્ટરનેટે સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું છે. આજનું નવીન આવતીકાલે જ જૂનું થઇ જાય છે. વીજાણુંયુગે સર્જેલી આ ત્વરા રોમાંચક છે તેમજ પડકારરૂપ પણ છે. નિસ્યંદનના પરામર્શક સાથે આ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા પછી જ નિસ્યંદનને ઇ-ફોરમેટ માં પ્રગટ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતી લખતા વાંચતા સુજ્ઞ લોકોનો ભાષાપ્રેમ, ગુજરાતી કવિઓની કાવ્યનિષ્ઠા તથા મહાકાળની અકળગતિ નિસ્યંદનની ત્રીજી યાત્રાની દિશા નક્કી કરશે.

  કોઈ સપનાં નથી, કોઈ દાવો નથી.

  આટલી પૂર્વભૂમિકા સાથે નિસ્યંદનઆપના હાથમાં……ના…..ના…..આપના સ્ક્રીન પર મુકુ છું.

   

  યોગેશ વૈદ્ય

  ૧લી માર્ચ, ૨૦૧૨.

8 Responsesso far.

 1. નવલ ગૃહે સ્વાગતમ…
  અમે આંટો માર્યો છે..
  નિરાંતે રહેવા આવીશું ..

  “પછી મંદિર કે મસ્જીદ જે ગણું તે ઘર હશે મારું
  ચરણ થી આપના મુજ દ્વાર તીરથ ધામ થઇ જાશે “

 2. સુધીર દત્તા says:

  નેટની દુનિયામાં વધુ એક સુંદર , સ્વચ્છ અને પારિવારિક વેબસાઈટનું અભિવાદન ….! ગુજરાતી સાહિત્યની આ સુંદર માતૃસેવા બદલ હાર્દિક અભિનંદન….!

 3. Shailesh Pandya BHINASH says:

  Very nice Congrates……

 4. વેરાવળ મારી જન્મભૂમિ અને 1989માં યુ.એસ.એ.આવતાં સુધીના ત્યાના વસવાટ દરમ્યાન ક્યારેક ક્યારેક ફૂલછાબમાં મારી કૃતિઓ પ્રગટ થતી. મને યાદ છે ત્યાં સુધી મારો પ્રથમ લેખ 1976 કે પછી 1978 માં પ્રગટ થયેલ અને છતાં નિસ્યંદન વિષે મને કાંઈ જ ખબર ન હતી. રસજ્ઞોથી વિમુખ એવી કોઈપણ પ્રવૃતિ વિકસાવવી વધુ કઠીન હોય છે. વેરાવળમાં વિકસવું તો અઘરૂં હતુ જ પણ અમેરીકાના વિશાળ ફલક પર વિકાસની તકો મળ્યા બાદ અને નવી ઓળખ ઊભી કર્યા પછી આજે નેટ જગતથી જોડાણ સહેલું હોવા છતાં પણ ત્યાંની સાહિત્યિક પ્રવૃતિ સાથે જોડાવાનું અઘરૂં સાબિત થયું…. મારા પ્રયત્નોના કોઈ પ્રતિભાવો મને મળ્યા નહી. પ્રસિદ્ધિ અને પ્રચાર માટે જ્યારે ભાવનાના વ્હેણની દિશા અરસિક લોકો પ્રત્યે વળે ત્યારે સહકારની અપેક્ષા રાખી શકાય નહી. ખેર, નિસ્યંદનને શુભેચ્છાઓ !

  • admin says:

   બહેન,

   તમારી ભાવનાઓની નોંધ લઈએ છીએ.. આ તમારો વેરાવળ અને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ છે … ‘નિસ્યંદન’ સાથે જોડાયેલા રહેશો..તમે વેરાવળ આવો ત્યારે મળીશું…

 5. Hemal Joshi says:

  I visited the website on 26th and today I read your journey so far article to my father (as you might know that he has completely lost his vision). He felt nostalgic. Very well written. No big adjectives, no blames, no big promises and no big show offs in writing. A simple but true and genuine article. I guess that has made the article exceptional. Congrats. I like Aaval Baaval ne Veraval. :) Somehow I never heard of that.

  Website is very well developed.
  Congratulations from all of us.
  Our best wishes for a great future of Nisyandan, website your efforts.

 6. VERY NICE. ENJOYED READING. IT IS LIKE ‘SAURASHTRNI RASDHAR’.
  THANKS FOR SHARING. I WILL MAIL YOU MY SHORT STORIES. GOOD LUCK AND HAVE A NICE TIME – JAY GAJJAR, MISSISSAUGA, CANADA

Leave a Reply