• અલગ કેડો કંડારવા વાળા…

     

    એક દૃશ્યાવલી નજર સામેથી પસાર થઈ રહી છે :

    નગરજનોનો એક મોટો સમૂહ રાજમાર્ગ પર યાત્રાએ નીકળ્યો છે. સહુ પોતપોતાના ગજા પ્રમાણે આ સમૂહમાં સ્થાન પામ્યા છે. સહુની સામે એક સુગમ, સમથળ અને ગંતવ્યગામી-સીધો રાજમાર્ગ છે જે વર્ષો પહેલાં કોઇકે બનાવ્યો હતો. સુખમય અને આરામદાયક યાત્રાની સહુને ખેવના છે અને સહુ નિશ્ચિંત પણ છે. પણ આ સમૂહમાં કેટલાંક  માથાફરેલ જરા અલગ લાગતાં મુસાફરો પણ છે. તેમણે આ રાજમાર્ગથી ઊફરી દિશા લીધી છે. નવા કેડા નિર્ધાર્યા છે. તેના પરના ઝાડીઝાંખરાં કાપતાં કાપતાં,  કેડાને સમથળ કરતાં તેઓ એક નવી દિશાથી ગંતવ્ય તરફ આગળ વધી રહ્યા છે. જો કે આ રસ્તે ક્ષણેક્ષણે નવા પડકારો તો આવે પણ સાથેસાથે તેમને હરક્ષણ નવોન્મેષ ,  નિતનવા આશ્ચર્યનો/અચંબાનો મોમેળાપ પણ થાય. આ રોમાંચ આમ ઊફરા ચાલવામાં પડતી મુસીબતો સાટે તેમને  મળતો પુરસ્કાર !!

    સાંજે સહુ ગંતવ્યસ્થાને પહોંચી જાય, આ રાજમાર્ગવાળા અને પેલા કેડાવાળા, લગભગ સાથેસાથે અથવા થોડા આગળ પાછળ. ઉતારા પર સામૈયાં થાય આ રાજમાર્ગ પર થઈને પહોંચનારાનાં. પેલા કેડા કંડારીને અહીં પહોંચેલા જરા દૂર બેસીને આ ઉજમને જોયા કરે. તેમના પ્રવાસની પણ કયાંક નોંધ લેવાય તો કેવું ?? તે વિષે તેમાંના કેટલાક વિચારે ,કેટલાક ના વિચારે. પણ એક વાતની તે બધાને ચોક્કસ પ્રતીતિ કે – અમે આજે જે કેડા કંડાર્યા છે તે આવતી કાલે નક્કી રાજમાર્ગ થઈ જવાના છે.

    આપણી ભાષા વિષે, આપણા સાહિત્ય વિષે પણ તેના ઉત્ક્રાંતિગત વિકાસના સંદર્ભે વિચારીએ છીએ તો આવું જ કંઈક દૃશ્ય ઊપસી આવે છે. કેટલાક માથાફરેલ અલગારીઓ અભિવ્યક્તિની રૂઢ થઈ ગયેલી તરાહોની, ઘસાઈ ગયેલી ભાષાની અને પ્રસ્થાપિત માળખાંઓની સમાંતરે એક નવી જ અભિવ્યક્તિની તરાહ આપણી સામે મૂકી આપે છે, વપરાઈ વપરાઈને બુઠ્ઠાં થઈ ગયેલા શબ્દોને અણિ કાઢી નવા ઉન્મેષ પ્રગટાવવાના પ્રયાસો કરે છે. આ પ્રક્રિયામાં મોટેભાગે પેલી પ્રસ્થાપિત / રૂઢ પરંપરાને સ્વાભાવિક ખરોચ આવે. આમાં કોઈને દુર્બોધ થાય તો કોઈને અણગમો થાય. અવગણના પણ થાય. (સામા પક્ષે કેટલાક અલગારીઓ જાતે જ સામાન્ય પ્રવાહથી અલગથલગ થઈને રહી જાય ) ક્યાંક જીદપૂર્વકના સામસામા અસ્વીકાર પણ આકાર લઈને ઊભા રહે.

    પણ એક મક્કમ ગતિએ આ કામ ચાલતું  જ રહે છે. ચાલતું રહેવું જોઇએ.  હકીકતે બંધિયાર પાણીને બદલતાં રહેવાની આ પ્રક્રિયા જ કોઇ પણ ભાષાને તરોતાજાં અને વિકસતી રાખી શકે. સૈકાઓ પહેલાંની આ ભાષા આજે જે સ્વરૂપમાં પહોંચી છે  તે આવા નિષ્ઠાવાન,  વિવેકશીલ અને સ્વયંશિસ્તબદ્ધ  તોડફોડિયા ઉદ્યમોના પ્રતાપે જ છે. વિકસતી રહેવા ઇચ્છતી કોઈ પણ ભાષા માટે આ પ્રક્રિયા અનિવાર્ય છે. રાજમાર્ગ પરથી આવતા યાત્રીઓ જેટલા જ અગત્યના છે પેલા નવા કેડા કંડારી ચાલતા અલગારીઓ.

    યોગ્ય પોંખણાં તેના પણ થવાં જોઇએ.

    યોગેશ વૈદ્ય                                                                                             તારીખ : ૦૧ – ૦૧ – ૨૦૧૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *