• આપણી માતૃભાષા

  Posted on March 10, 2013 by Yogesh Vaidya in આપણો સંવાદ.

   

  હમણાં 21મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસ આવ્યો અને ગયો. આ નિમિત્તે કેટલાક વિચારો આવ્યા, પ્રશ્નો ઉદભવ્યા આપણી માતૃભાષા વિશે, આપણા સાહિત્ય વિષે – તે અહીં ઉતારું છું.

  કવિ સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ દ્વારા જાણ્યું કે બંગાળમાં આજે પણ રવીન્દ્રકવિતાની કોઈ સભા ભરાય છે ત્યારે કવિવર ત્યાં સાક્ષાત હાજર છે તેવી ભાવના સાથે મંચ પર એક સ્થાન ખાલી રાખવામાં આવે છે. એટલું જ નહીં કવિવર માટે વાણીકુમાર રચિત ત્રણ ગાન – રવીન્દ્રવંદના , રવીન્દ્રસ્તુતિ અને રવીન્દ્રપ્રશસ્તિ ગાવાનો પણ ત્યાં રિવાજ છે. આપણે ત્યાં કોઈ કવિને આ સન્માન ક્યારે મળશે ? જાહેર સ્થળો , સંસ્થાઓમાં કવિઓના ફોટા નજરે ચડે છે ક્યાંય ?

  આપણે સહુ જાણીએ છીએ કે માત્ર કવિતા જ તેની લયાત્મકતા અને વ્યંજનાત્મક લાઘવને લઈને કોઈપણ ભાષાના વહન–વિસ્તરણ માટેનું એક પ્રબળ માધ્યમ બની રહેવાની શક્યતા ધરાવે છે. તે હાલરડું હોય કે પછી ખંડકાવ્ય હોય. તો, પ્રશ્ન થાય કે આપણી ગુજરાતી કવિતાનો વાચકવર્ગ કેવડોક છે ? જવાબ કડવો છે… કુલ ગુજરાતીભાષીઓનો માત્ર 3.5 % થી લઈને 5% સુધીનો વર્ગ જ તેની માતૃભાષાની કવિતા વાંચે છે ! અને તે પણ સત્તર વાડાઓમાંથી ટિપાઈને , વટલીને આવતી કવિતા ! આ અતિ પાતળા વાચકવર્ગમાં જ ઢબઢબીને રહી ગઈ છે આપણી સાહિત્યિક દુનિયા. સહુને પોતપોતાના પના પ્રમાણે વર્તુળો છે, પ્રકાશકો છે, વિવેચકો છે , વાહ વાહ છે, ભયોભયો છે ! આ ખોખલો વૈભવ આપણને કેમ કરીને પાલવે છે ? આપણા વાચકની ટકાવારી વધારવા આપણે કશું કરીએ છીએ ખરા ? ઊગી રહેલ વાચકપેઢીની રુચિ ઘડવા માટે પણ કંઈક વિચારવું ન જોઈએ ?

  બદલી રહેલાં પ્રકાશન માધ્યમો પણ આપણાં ઘર સુધી આવી પહોંચ્યાં છે. આ નવાં માધ્યમોની સારી-માઠી અસરો વિષે પણ આ તકે સતર્ક થઈ જવું રહ્યું. આંખો બંધ કરી દેવાથી આવનાર આંધી ટળી જવાની નથી.

  જ્યાં સુધી આપણાં ઘરોમાં આ ભાષા બોલાય છે, આ ભાષામાં સપનાં આવે છે, આ ભાષામાં હાલરડાં ગવાય છે, લગ્નગીતો, ભજનો, ગરબા ગવાય છે, આ ભાષા જીવતી તો રહેશે; પણ તેને ખરા અર્થમાં જીવંત, પરિવર્તનશીલ અને કાળજયી બનાવી રાખવા એક યોજનાબદ્ધ, વૈજ્ઞાનિક, વ્યાપક અને સર્વસ્વીકૃત અભિગમ સાથે કામ કરવાની જરૂરત છે જ છે.

  અહીં પ્રશ્ન આવડતનો કે સાધનસંપન્નતાનો નથી; પ્રશ્ન સાચુકલા ભાષાપ્રેમનો અને તેની ખેવનાનો છે. અને આપણાં સાહિત્યિક પારિતોષિકોની સૂચિમાં ખેવના માટે કોઈ વિભાગ હોવાનું અમારી જાણમાં નથી.

  યોગેશ વૈદ્ય      તારીખ : ૦૧ – ૦3 – ૨૦૧૩

   

  Post Tagged with

One Responseso far.

 1. Maheshchandra Naik says:

  mother, mother tongue, and mother language should always get priority in childhood for important of MATRUBHASHA…………………

Leave a Reply