• સમય અને શબ્દ

  Posted on May 9, 2013 by Yogesh Vaidya in આપણો સંવાદ.

   

  હમણાં એક મિત્રે મને પ્રશ્ન પૂછ્યો. “ ૨૦૦ વર્ષ પહેલાંની કેટલી કવિતાઓ આપણી વચ્ચે સચવાયેલી રહી છે ? ” પ્રશ્ન ધારદાર હતો અને વાતની ભૂમિકા પણ એટલી જ અણિયાળી. સાહિત્યિક શબ્દનું આયુષ્ય કેટલું ? પ્રાગનરસિંહયુગથી (ઈ.સ.૧૦૦૦-૧૪૧૪) લઈને આજપર્યંત રચાયેલ સાહિત્યમાંથી કેટલું સાહિત્ય આજ સુધી ટકી શક્યું છે ? ઈ.સ. ૧૧૮૫માં રચાયેલ ‘ભરતેશ્વર બાહુબલીરાસ’ (શાલીભદ્રસૂરી) ‘રણમલ છંદ’(ઈ.સ. ૧૩૯૮માં કવિ શ્રીધર ) અને ‘પ્રબોધ ચિંતામણી’ (કવિ મેરુ તુંગા) – આ બધી રચનાઓનું અસ્તિત્વ આજે સંદર્ભગ્રંથોમાં જ સમેટાઈને રહી ગયું છે ત્યારે થોડાંક નરસિંહનાં અને મીરાંબાઈનાં પદો યાદ રહ્યાં છે, અખાના છપ્પા અને પ્રેમાનંદ અને ભાલણનાં આખ્યાનો હજુપણ ક્યાંક જીવે છે. આ રચનાઓનું આમ ચાર-પાંચ સૈકાઓ પર્યંત ટકી રહેવું પણ નાનીસૂની ઘટના નથી.

  શું છે સાહિત્યકૃતિના કાળજયી બની રહેવા માટેની વિનિંગ કેમેસ્ટ્રી ? કેટલાક મુદ્દાઓને સ્પર્શી શકાયું છે ; જે કોઈ પણ ભારણ વગર સીધા જ વિસ્તૃત ચર્ચા અર્થે આપ સમક્ષ મૂકુ છું.

  રચનાનો વિષય અને હેતુ : રચનાનો વિષય અને હેતુ રચનાનુ આયુષ્ય નક્કી કરનાર મુખ્ય પરિબળ ગણી શકાય. રચનાના વિષય અને હેતુના (સામાજિક/ધાર્મિક/રાજકીય) વિકાસ અને વિલયની સાથે સાથે જ જે કે તે રચના પોતાનો નિર્વાહ કરી શકે છે. મીરાંબાઈનાં પદો વિષયવસ્તુની શાશ્વતીને લાઈને ચાર-પાચ સૈકાઓ તરી ગયાં. જ્યારે આ પૂર્વે અને પછીના સમયમાં રચાયેલી ઘણી વિખ્યાત રચનાઓ તેના હેતુ અને વિષયને આધીન સ્વાભાવિક અપ્રસ્તુતિ પામી. વૈશ્વિક અને શાશ્વતીને સ્પર્શતા વિષયોવાળી રચના જ કાળજયી બની શકી છે.

  ભાષાનો ઉત્ક્રાંતિ ગત વિકાસ : ભાષાનો ઉત્ક્રાંતિગત વિકાસ પણ ઉત્તમ કૃતિને કાળક્રમે અપ્રસ્તુત બનાવી દે છે.

  અનુભૂતિની સચ્ચાઈ : અનુભૂતિની સચ્ચાઈ એ સાહિત્યકૃતિનો આત્મા છે. આ અનુભૂતિ સમસંવેદનાના રૂપમાં પણ હોઈ શકે. કાળજયી કૃતિઓ ખૂબ જ ઊંડાણપૂર્વકની અને સાચી અનુભૂતિનો પરિપાક હોય છે. પત્નીના અવસાનના ખબર મળતાં રચાયેલું “ભલું થયું ભાંગી જંજાળ , સુખે ભજશું શ્રીગોપાળ “ સૈકાઓ પછી પણ ટકી રહે તેમાં માત્ર ને માત્ર નરસિંહની કરોડો ગીગાહર્ટઝ્ના મેગ્નેટ્યુડની સાચી અનુભૂતિ જ કારણભૂત છે. તેવું જ મીરાંબાઈ વિષે પણ કહી શકાય.

  રચનાનો બાહ્ય ઢાંચો : પદ્ય તેની લયાન્વિતતાના બળે ગદ્ય કરતાં વધુ લોકભોગ્ય, પ્રસારક્ષમ અને પરિણામે ટકી રહેવાની વધુ ક્ષમતા ધરાવતું માધ્યમ છે. ગીતો અને ગેય પદો કથા-વાર્તાના મુકાબલે વધુ ટકી શક્યાં છે.

  રચના રીતિ અને ભાષાનું સ્તર : કાળજયી નીવડેલી બધી જ રચનાઓમાં ગહનતમ વાતને પણ સરળ અને સહજ ભાષામાં કશા જ રચાનાપ્રપંચ વગર કહેવાઈ છે. પ્રતીકો અને રૂપકોની ભ્રામક જાળમાં ગૂંથાયેલા નર્યા કૃતક શબ્દો કદી પણ કાળજયી નીવડી ન શકે.

  આ ઉપરાંત રચનાકારનું સાહિત્યેતર વિશેષ પ્રદાન (સત્યના પ્રયોગો –ગાંધીજી) , રચનાની રાજકીય / સામાજિક સવિશેષ સ્વીકૃતિ (જનગણમન અધિનાયક –રવીન્દ્રનાથ) પણ કૈંક અંશે કાળજયી બનવામાં ઉપકારક બની શકે છે.

  તો શું આ બધી બાબતોને આવરી લઈએ એટલે એક કાળજયી કૃતિ નીવડે જ ? ના , બિલકુલ નહીં ! ઉપર ચર્ચેલા મુદ્દાઓ ઉપરાંત એક એક્સ ફેક્ટર – કદાચ શબ્દની અને રચનાકારની નિયતિ પણ પોતાનું કામ કરતી જણાય છે.

  જો કે, અંતે નોંધવું રહે કે ફક્ત કાળજયી બનાવવાના હેતુ સાથે જ ક્યારેય કોઈ કૃતિ રચાતી નથી. કલાકારનો મૂળ હેતુ તો હોય છે કલાગત અભિવ્યક્તિનો. મહાકાળ તેના કાર્યને ભૂંસી જ નાંખવાનો છે તેની સુપેરે જાણ છતાં પોતાના શબ્દના બળે ભલે થોડીક ક્ષણો માટે પણ ટકી રહેવાની હિંમતભેર કોશિશ કરે તે સાચો કલાકાર. ‘ જે કાળજયી બની રહે તે જ ઉત્તમ કલાકૃતિ ‘ તેવું માનવું એ પણ કલાધર્મનો દ્રોહ છે.

   

  યોગેશ વૈદ્ય                                                                                                  તારીખ : ૦૧ – ૦પ – ૨૦૧૩

   

2 Responsesso far.

 1. હેમંત ગોહિલ "મર્મર ' says:

  યોગેશભાઈ ,અભિનંદન ….

 2. MANSUKH THAKER says:

  સરસ,યોગેશભાઇ

Leave a Reply