• ૦ સુખ

  Posted on August 30, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

    

  આમ તો
  આ સાવ નાનકડું ફ્લેગ સ્ટેશન
  મારા ગામથી
  પૂર્વ તરફ જતાં રસ્તામાં આવે
  જંગલ પૂરું થાય
  અને તરત જ આવતું
  આ નાનકડું ફ્લેગ સ્ટેશન .

  પ્લેટફોર્મથી
  થોડે દૂર
  જાળીવાળી દીવાલને અડીને
  એક બાંકડો
  લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો .

  મેં
  અનેક વખત
  જોયો છે
  ચાલતી ટ્રેનમાંથી
  ઘણી વખત
  સપનાંમાં પણ આવે
  એકાકી ફ્લેગ સ્ટેશન પરનો
  લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો
  આ બાંકડો.
  સ્ટેશન થીજી ગયેલું
  પાટાઓ ઓગળીને ગાયબ
  બધાજ સંદર્ભો, અક્ષાંશ-રેખાંશ,
  નિશાન-નકશાથી વિખૂટો પડી ગયેલો –
  અફાટ મહાસાગરમાં
  સાવ એકલા ટાપુ જેવો
  માત્ર આ બાંકડો
  લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો

  મારે ઊતરી પડવું છે અહીં
  ટ્રેન ઊભી રહેતી નથી .
  બારીના સળિયા હચમચાવું
  પ્લેટફોર્મ પરના માણસને બૂમ પાડું
  પગ પછાડું.

  આ પ્લેટફોર્મ પર ઊતરી,

  મારે
  પેલા બાંકડા પર
  એક વખત બેસવું છે

  ઊંડા ઊંડા શ્વાસ ભરી

  નિરાંત લેવી છે
  મલયાનિલની હળવી લ્હેરખી વાય
  અને
  ઉપરથી એક લવંડરીયું ફૂલ
  ટ.. પ્ દઈને મારા પર પડે

  બસ એટલું જ……
  એટલું  જ સુખ !

    O  યોગેશ વૈદ્ય

Leave a Reply