• ગુજરાતી કવિતાની સામાજિક નિસ્બત

  Posted on October 31, 2013 by Yogesh Vaidya in આપણો સંવાદ.


  આપણી કવિતાની સામાજિક નિસ્બત વિષે વિચારતાં જે કંઈ ઊગી આવ્યું તે આપ સમક્ષ વધુ વિચારાર્થે મૂકી રહ્યો છું. આ અંગત અવલોકનો છે જેના ઉપર વધુ વિચાર થઈ શકે. કશું પ્રતિપાદિત કરવાનો હેતુ નથી.

  આઝાદીની ચળવળના કાળમાં પંડિતયુગની ચુસ્ત મરજાદી, દુર્ગમ અને ચોખલી કવિતા આરસનાં પગથિયાં ઊતરી લોકો વચ્ચે, લોકોની બનીને ધૂળમાં બેસી ગઈ હતી. ગાંધીપ્રભાવમાં પ્રવર્તતા લોકજુવાળને,  લોકલાગણીને સીધી જ કવિતામાં ઝીલતી કવિતાઓ ગાંધીયુગમાં લખાઈ. આ એવી કવિતા હતી જે ભાવકોને પોતાની જ લાગણીનો પડઘો પાડતી જણાઈ. કેટલીક કવિતાઓ એ યુગના સંઘર્ષનું પ્રતિબિંબ બની ગઈ અને કેટલીક તો યુગપરિવર્તનની પ્રવર્તક પણ બની રહી. આ અગાઉની સુધારાવાદી  કવિતાઓ પણ સીધા જ જીવાતા જીવનના સંદર્ભની કવિતાઓ હતી. અહીં કવિ એક કળાકાર હતો અને સાથેસાથે એક દાર્શનિક અને માર્ગદર્શક પણ હતો. પણ આઝાદી મળ્યા પછી પેલી ધૂળમાંથી ઊભી થયેલી, લોકોને પોતાની જ લાગતી ગુજરાતી કવિતા ધીરે ધીરે ફરીથી એકદંડિયા મહેલમાં રહેવા ચાલી ગઈ.

  અહીં વાસ્તવવાદ, અતિવાસ્તવવાદ, અસ્તિત્વવાદ, સૌન્દર્યવાદ વગેરે પશ્ચિમી વિચારધારાઓની આંગળી ઝાલીને ગુજરાતી કવિતાએ તેની નિજી આંતરિક અને બાહ્ય સૌન્દર્યની ચરમસીમાઓને સ્પર્શવાના પ્રયત્નો કર્યા.  કંઈક અંશે એક આગવી મુદ્રા પણ પ્રાપ્ત કરી. અનુગાંધીયુગ અને આધુનિકયુગમાં ગુજરાતી કવિતાએ તેનાં કલાકીય શિખરો સુપેરે સર કર્યાં અને ગુજરતી કવિતાને ઘણી કલાનિષ્ઠ કલમોએ રળિયાત કરી. ગુજરાતી ભાષાના, કવિતાના અને અભિવ્યક્તિના  ઉત્ક્રાંતિગત વિકાસ માટે આ તબક્કો અતિ મહત્વનો ગણાયો છે. આપણે નિશ્ચિતપણે ગુજરાતી કવિતાનો આ સુવર્ણકાળ ગણી શકીએ, જેમાં તેણે વૈશ્વિક ગતિવિધિઓ સાથે કદમ મિલાવ્યાં. પોતાની વૈશ્વિક ઓળખ બનાવી . પણ એ નોંધવું રહ્યું કે આ દરમ્યાન  પેલી તેની જીવાતા જીવનના સંદર્ભની પકડેલી આંગળી ક્યાંક છૂટી ગઈ. કવિતાનું સંતુલન મોટેભાગે (કેટલાક અપવાદોને બાદ કરતાં ) કળા અને તેના આંતરિક સૌન્દર્ય તરફ જ ઝૂકેલું રહ્યું,  ભાવક જાણ્યે અજાણ્યે વિસરાઈ ગયો. 

  આધુનિકયુગના ઊંડા પ્રભાવ દ્વારા તૈયાર થયેલી ભૂમિ પર આજનો કવિ ખેડાણ કરી રહ્યો છે. જરા આજની સ્થિતિ પર નજર કરીએ તો જણાય છે કે કવિતાઓમાં વિતેલા આધુનિકયુગના ઓઘરાળા સમા અતિ અંગત અનુભૂતિઓનાં અકળ ગૂંચળાં (નરી Personal Poetry ),  સપાટી પરના સામૂહિક છબછબિયાં અને કશે જ ના લઈ જતી વંધ્ય સંરચનાઓ વિખરાઈને પડી છે. નવા યુગનો સુરેખ ચહેરો કે સીધી જમીની હકીકતોમાંથી ઊભી થયેલી કોઈ બળકટ વિભાવના ઓછી નજરે ચડે છે.

  પ્રશ્ન થાય છે કે શું આપણી સામાજિક ચેતના સતત ઉદ્દીપ્ત અવસ્થામાં નહીં રહેતી હોય.?(કમ સે કમ ગુજરાતી કવિતાની બાબતમાં ?) જોકે આ સામાજિક નિસ્બતના અભાવનું કારણ શું  હોઈ શકે તે એક અલગ ચર્ચાનો વિષય છે. એવું પણ નથી કે સામાજિક સંદર્ભ એટલે અભાવ અને સંઘર્ષનો જ સંદર્ભ. ફકત દલિત કવિતા જ સામાજિક નિસ્બતની કવિતા નથી. આમ તો દરેક સાચ્ચી કવિતા એ કોઈ ને કોઈ આઘાતની પ્રતિક્રિયા રૂપે જ સર્જાતી હોય છે. અને કવિની આસપાસ બનતી બાહ્ય કે આંતરિક ઘટનાઓનો પ્રતિઘોષ તેની કવિતામાં પરોક્ષ રીતે પણ પડતો જ રહે છે. એ રીતે તો કોઈ પણ કવિતા જીવાતા જીવનની નિસ્બતની કવિતા ગણી શકાય. જો આમ જ થતું હોય તો તેની કવિતા દરેક ભાવકને પોતાના સંદર્ભની/ પોતાની નિસ્બતની કવિતા લાગવી જોઈએ. જે હકીકતે બનતું નથી. અહીં સવાલ ભાવક પક્ષે જરૂરી પ્રતિબદ્ધતાનો તો છે જ પણ સર્જકના અભિગમનો પણ છે. અને અભિવ્યક્તિ બાબતે કેવો અભિગમ અપનાવવો તે દરેક કવિના મૌલિક અધિકારક્ષેત્રની બાબત છે. કવિની ક્ષમતા અને કયા હેતુ ( Motto ) સાથે કવિ કાવ્યસર્જન તરફ જાય છે તે પણ અહીં મહત્વોનું બની રહે છે.

  બોલકા થઈ જવાના કાલ્પનિક ભયે કે વિવેચકો શું કહેશે એ વિચારે કવિઓ તેમની રચનાઓમાં સીધી સામાજિક નિસ્બતને ધરાર આવતી રોકી રહ્યા હોય તેવું પણ જણાય છે. તેમના આ વલણને શું કહેશું ? ફક્ત કવિતાના સૌન્દર્યની જ ચિંતા કર્યા કરતો આપણો કામઢો કવિ તેની ભીતરી અનુભૂતિને તો  ક્યાંક અવગણી નથી રહ્યોને ? જવાબ નામાં હોય તો સારું. હકીકતે કવિતાના આંતરિક અને બાહ્ય સૌન્દર્યને લેશમાત્ર હાનિ પહોંચાડ્યા વગર પણ સામાજિક નિસ્બતની  સુંદર કવિતા લખી શકાય તેનાં સુખદ ઉદાહરણો કવિ સીતાંશુ યશશ્ચન્દ્ર,  કવિ અનિલ જોશી સમેત અનેક કવિઓએ પૂરાં પાડ્યાં જ છે.

  હાલ તો, આ ભ્રાંતિના આકાશને ચીરી નાંખતા એકાદ જંગલી બાવળની જરૂરત છે. અને આપણે બધા આવું કશું ના બને ત્યાં સુધી સ્વીકૃતિ અને અસ્વીકૃતિની સીમાઓમાં એક એક પગ રાખીને દહીં-દૂધમાં રમતાં ઊભાં છીએ.

   

  યોગેશ વૈદ્ય  

  તંત્રી-સંપાદક નિસ્યંદન

Leave a Reply