• ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન : ઊભી સ્કાયસ્ક્રેપર સમી શ્હેર વચ્ચે, ઉદાસીનતા આપણી દોસ્તો.

  Posted on January 9, 2014 by Yogesh Vaidya in આપણો સંવાદ.

   

        ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન હમણાં તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બરે યોજાઈ ગયું. કડકડતી ટાઢમાં વેરાવળથી વહેલી સવારે ટ્રેઈનમાં બેસીને રંગેચંગે આણંદ જવા નીકળ્યો ત્યારે મન પર ભૂતકાળની કેટલીક રમણીય સ્મરણરેખાઓ ઊપસી આવેલી.

        ૧૯૮૭માં મુંબઈના વિલેપાર્લેમાં યોજાયેલું ગુ.સા.પ.નું એ અધિવેશન. ભોગીલાલ સાંડેસરાની અધ્યક્ષતા. ગુજરાતી સાહિત્ય જગતનો લગભગ સમગ્ર તારકગણ ત્યાં ઊતરી આવ્યો હતો. યશવંત શુક્લ, ગુલાબદાસ બ્રોકર, જયંત પાઠક, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ધીરુબેન પટેલ, ભોળાભઈ પટેલની ઉપસ્થિતિથી કેવું હર્યુંભર્યું ને ગૌરવમંડિત હતું તે અધિવેશન ! પ્રસ્થાપિતો અને નવોદિત સાહિત્યકારોની મંડળીઓ જામી હતી. કવિ સિતાંશું યશશ્ચંદ્રને તેમના સૂટ-બૂટમાં સજ્જ થયેલા (તેમની કવિતા જેવા !) અને વર્ષા અડાલજાને તેમના ઠસ્સા સાથે સવારના નાસ્તાના મંડપમાં મ્હાલતાં ભાળ્યાંનું સાંભરે છે. વિનોદ ભટ્ટને, વિનોદ કરાવતા અને બકુલ ત્રિપાઠીને ગંભીર મુદ્રામાં બેઠેલા પ્રથમ વખત ભાળેલા તે યાદ આવે છે. કવિ વિનોદ જોષી કોઈ ફિલ્મી હીરોની અદામાં બસમાંથી ઊતરેલા. કવિ હરીન્દ્ર દવેને સંસ્થાના દ્વાર પર નમસ્કાર કર્યા ત્યારે તેમનો માયાળુ હાથ મારા પર ફરેલો. યોસેફ મેક્વાનનું લાંબું વક્તવ્ય ( કેફિયત ) પણ લાંબું ન્હોતું લાગ્યું. કવિ રમેશ પારેખને તો ટગર ટગર જોતાં જ રહ્યા હતા અમે. આ સહુની વચ્ચે ઉમાશંકર જોષીના મારી કાવ્યપોથીમાં મેળવેલા હસ્તાક્ષર હજુ પણ મોરપગલાં માફક સાચવીને રાખ્યા છે. ગુજરાતી સાહિત્ય જ નહીં પણ અન્ય કળાઓના નામાંકિત કળાકારોનો પણ એક ગૌરવભર્યો મેળાવડો જામ્યો હતો ત્યારે. ગુજરાતના ગામેગામથી સાહિત્યકારો ત્યાં ઊતરી આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદ એ ગુજરાતીભાષીઓની, ગુજરાતી સાહિત્યની એકમાત્ર અને પ્રમુખ માતૃસંસ્થા હોય તેવું નિર્વિવાદપણે, આપોઆપ જ પ્રસ્થાપિત થઈ રહ્યું હતું. અહીં મુંબઈગરા ગુજરાતીઓનો પણ ખાસ્સો જમઘટ જામ્યો હતો પણ એકંદરે દશમાંથી સાત-આઠ વ્યક્તિ સાહિત્યકાર જ હતી. સહુ પોતાની ભાષા માટે, પોતાની ભાષાના સાહિત્ય માટે ઊલટભેર ઊમટી પડ્યા હતા. એ ઉમંગ, એ ઉલ્લાસ આજે પણ રોમાંચિત કરી મૂકે છે.

        આ બધી મધુર સ્મૃતિઓને આણંદના ૪૭મા અધિવેશને નંદવી નાંખી. સાહિત્યકારોથી ભર્યાભર્યા વડોદરા , વિદ્યાનગર અને અમદાવાદથી સાવ પાસે અને સુરતથી પણ બહુ દૂર ન કહેવાય તેવા આણંદ નગરના આ અધિવેશનમાં સાહિત્યકારોનો  કારમો દુકાળ પડેલો જણાયો. ગુજરાતના ગામેગામના તો છોડો ,આણંદની ૫૦ કિલોમીટરની ત્રિજ્યામાં વસતા સાહિત્યકારો પણ પૂરી સંખ્યામાં આ અધિવેશનમાં ફરકવા ન આવ્યા. બગલથેલામાં કાવ્યપોથીઓ અને આંખમાં કવિતાનાં પતંગિયાં લઈને ઉમટેલા નવકવિઓ ક્યાંયે નજરે ના ચડ્યા. ( કેટલા યુવા કવિઓનો ભેટો થઈ જવાની અપેક્ષા હતી મને ! ) એતો ઘણું જિવાડે શૈક્ષણિક સંસ્થાઓને કે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સભામંડપમાં મૂકેલી ખુરશીઓને સાચવી લીધી. યજમાન સંસ્થા એન.એસ.પટેલ આટર્સ કોલેજના આયોજનમાં કશી જ કચાશ નહીં. ભાઈ અજયસિંહ અને તેમની ટોળકીએ પૂરા ઉત્સાહ સાથે વ્યવસ્થા સાચવેલી અને ઉમંગભેર સજાવટની રંગોળી પૂરેલી. પણ સાહિત્યકારોની અકળ અને અકળાવનારી અનુપસ્થિતિએ સહુને અંદરથી ખિન્ન કર્યાં. રાત્રિ બેઠકમાં અકાદમી મહામાત્ર હર્ષદ ત્રિવેદીએ તેમની ખિન્નતા જાહેરમાં વ્યક્ત કરી અને જનક નાયકે તો છેલ્લા દિવસની બેઠકમાં પરિષદને તેના અભિગમો મૂળથી બદલવાનું સૂચન પણ કર્યું.

         શાની છે આ ઉદાસીનતા? આ અભિગમ આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે ? આ એ ગુજરાતી સાહિત્ય પરિષદ કે જેનું  અધિવેશન ૧૯૦૫માં ગોવર્ધનરામ ત્રિપાઠીની અધ્યક્ષતામાં ભરાયું અને ૧૯૩૬માં તેના અધ્યક્ષ મોહનદાસ કરમચંદ ગાંધી હતા ! ગુજરાતી સાહિત્યની જગજૂની અને કેન્દ્રિય સંસ્થાના અધિવેશનની આવી અવદશા ? એ પણ એવા સમયે કે જ્યારે ઠેરેઠેરેથી ગુજરાતી ભાષાને બચાવી લેવાનાં અરણ્યરુદનો  થઈ રહ્યાં હોય ! ભૂગર્ભમાં રહીને વિકસેલાં વૈયમનસ્યો અને વાંધાવચકાઓની આઈસબર્ગની ટોંચ સરખી ઠંડીગાર અભિવ્યક્તિ તો નહીં હોયને આ ? આવું થવાનાં કારણો તો ગુ.સા.પ.ના મોભીઓ અને ગુજરાતી સાહિત્યના રાજમાનરાજેશ્રીઓ જાણે, પણ આ ઉદાસીનતા આ લખનાર જેવા અનેકનાં કાળજામાં કરચ થઈને ખૂંચી રહી છે. જય જય ગરવી ગુજરાત ગાતો ગુજરાતી સ્હેજ ઝંખવાયો છે આજે .

          જોકે આવાં આયોજનોના ઉદ્દેશ્યો અને આયોજનરીતિઓ વિષે પણ આપણે ફેરવિચારણા કરવી રહી અને સંસ્થાકીય ઢાંચાઓથી આયોજનનાં ખોખલાં માળખાં તો ઊભાં કરી શકાય છે પણ તેમાં ભાગ લેનારાઓનો ઊજમ ઊભો નથી કરી શકાતો તે પણ સમજવું રહ્યું. આ તકે બકુલ ત્રિપાઠીએ તેમના અધ્યક્ષકાળમાં કહેલી ગુ.સા.પ.ને જિલ્લા અને તાલુકા સ્તરે લઈ જવાની વાત યાદ આવે છે. આ વાતને પછીથી ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાઈ. આપણી વ્યાવહારિકતાએ આપણને તાર્યાં છે તેમ માર્યાં પણ છે.

          ગુજરાતી સાહિત્ય પરિષદે તેનો ગૌરવપૂર્ણ દરજ્જો જાળવવા અને સર્વસ્વીકૃતિ બનાવી રાખવા કશુંક નક્કર કરવાનો  સમય આવી ગયો હોવાની આલબેલ આ અધિવેશેને વગાડી દીધી છે. નર્યા કૃતક, ક્રિયાકાંડ જેવાં આયોજનોથી ગુ.સા.પ. અને ગુજરાતી  સાહિત્યનું કશું દળાવાનું નથી.

   

          અધિવેશનમાં વર્ષો બાદ મળેલા કવિ રાજેશ પંડ્યાએ મને ભેટી પડીને અનાયાસે જ મારો શેર સંભળાવેલો : ઊભી સ્કાયસ્ક્રેપર સમી શ્હેર વચ્ચે, ઉદાસીનતા આપણી દોસ્તો. શું કહું, દોસ્ત ? આ ઉદાસીનતાની ઝીણી ઝીણી કરચો અધિવેશન પૂરું થઈ ગયા પછી પણ મને અંદર અંદર ખૂંચ્યાં કરે છે.

          અંતે અધિવેશન દરમ્યાન બનેલ નોંધનીય ઘટના:

          વિવેચનની બેઠકમાં મંચ પર વિદ્યમાન હર્ષવદન ત્રિવેદી ,રાજેશ પંડ્યા અને હસિત મહેતાની  યુવા ત્રિપુટીએ તેમની સજ્જતા અને વિષયનિષ્ઠાને લઈને ગુજરાતી વિવેચનની આવતીકાલ ઊજળી હોવાની સુખદ પ્રતીતિ કરાવી. ( વિવેચનની બેઠકોમાં ભાગ્યે જ પડતી તાળીઓ સાંભળવાનો લ્હાવો પણ મળ્યો !) જ્યારે કવિ હરીશ મીનાશ્રુની કલામંડિત સૂક્ષ્મ કેફિયતે અને કવિ મનોહર ત્રિવેદીની નિર્ભેળ અને ખુલ્લા દિલની પોતીકીએ સહુનાં દિલ જીતી લીધાં.

  જય હો .. જય ગરવી ગુજરાત. 

  યોગેશ વૈદ્ય                                                                                               

2 Responsesso far.

 1. ગુજરાતી વિવેચનની આવતીકાલ ઊજળી હોવાની સુખદ પ્રતીતિ કરાવી. વાહ, વાહ………….

 2. dinpatel2 says:

  GREAT TRUE MICRO OBSERVATION
  TIME IS TOO FAST SO THAT EFFACT TO ALL PEOPLES
  NOTHING ELSE.
  THANKS
  Dinesh Patel
  Vadaodara

Leave a Reply