• O કચેરીનો બાંકડો

     

     

    કોઈએ
    સૂકા થડમાંથી બનાવીને મૂકેલો….
    કચેરીની ખુલ્લી ઓશરીનો
    આ બાંકડો.

    અંદરના, બહારના
    અસંખ્ય આવેગોથી અભડાયેલો
    સાંધાઓની જડબેસલાક વ્યવસ્થામાં
    બંધ

    પોલાણમાં કૂંપળનો સળવાળાટ
    ને ડાળીઓની ધક્કામુક્કી જેવું
    ભીતરમાં લીલું લીલું ફરકે
    ક્યારેક કશુંક.

    બાકી તો, તડકો-છાંયો, ટાઢ-તપારો, લીલી-સૂકી
    -સંકેલી લીધું છે બધું.

    ભૂગર્ભની પ્રચંડ ગતિવિધિ ઝીલતું
    ઠંડુંગાર સીસ્મિક યંત્ર જાણે.
    એક નિશ્ચિત વિસ્ફોટને
    દબાવીને રાખ્યો છે પોતામાં.

    શ્રદ્ધા-અશ્રદ્ધાની ઘનીભૂત તાણમાં
    તૂટવાની અણી પર આવી ને અટક્યો
    ઉન્મુખ, અબોલ એકાકી દ્વીપ-
    આ બાંકડો.

    O યોગેશ વૈદ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *