• O તેઓ

    Posted on December 1, 2014 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

     

    દેખાવે સુઘડ અને ઘાટીલા લાગે તેઓ
    પણ જરા સ્પર્શ કરો
    તો કોઈ જંગલી વનસ્પતિ જેવા
    અંદરની તરફ વળેલા સુંવાળા કાંટા હોય

    કાચમહેલમાં
    ધુમ્મસના દેહ લઈને હરે-ફરે
    હિલિયમથી ખીચોખીચ ભરેલા
    હલકા ફૂલકા ગોળા જાણે-
    કોઈ જાદૂઈ સ્વિચ ‘ઓન’ થાય
    તો અચૂક ઝળહળે

    ફૂલોના ગુચ્છા જેવા
    ભરાવદાર અને ભારઝલ્લા
    ટોચ પર એકલા જીવવા જન્મેલા
    સતત માણસૂડાં હોવાની પ્રતીતિ કરાવતાં ફરે
    પોતાને અને અન્યને

    કોન્ફરન્સ હોલમાં કોઈ જાદૂગરની અદાથી
    સફેદ પીંછાંને ગુલાબી
    અને ગુલાબી પીંછાંને પીળાં બનાવી દેખાડે
    ત્યારે પડેલી શિષ્ટ તાળીઓ
    સાંજની વ્હિસ્કીના બરફ સાથે મોડે સુધી ઓગળ્યાં કરે

    એક A-4 સાઈઝના કાગળ પર
    જન્મ પામી ઘેરું ઘેરું ઘૂંટ્યાં કરે
    ટેબલ સોંસરું ઉતારે બધું
    નીચેના માળે બેસતા આજ્ઞાંકિતો
    હોંશે હોંશે ઝીલે
    એક હાથ હંમેશાં ઈશ્વરી મુદ્રામાં
    તો બીજો હાથ મોટાભાગે લીંપણાં કરતો રહે

    આમ જ એક દિવસ
    A-4 સાઈઝનો એક હળવો હડદોલો આવે
    અને એલિવેટર દ્વારા જેટલી ત્વરાથી
    વચ્ચેના માળેથી છેક ઉપરના માળે પહોંચેલા-
    એટલી જ ત્વરાથી
    સડસડાટ નીચે ઊતરી
    ધુમ્મસિયા રાજમાર્ગ પર
    ચકચકતી ગાડીઓના ટ્રાફિક જામમાં
    ક્યાંક ખોવાઈ જાય

    O યોગેશ વૈદ્ય

One Responseso far.

  1. lalit trivedi says:

    સરસ

Leave a Reply