• મને ‘સ’ વર્ગમાં ફાઈલ કરજો : એક નારીવાદી ઑફિસ-કાવ્યનો અનુવાદ-આસ્વાદ

  Posted on December 2, 2014 by Yogesh Vaidya in આપણો સંવાદ.

  The Secretary Chant
  My hips are a desk,
  From my ears hang
  chains of paper clips.
  Rubber bands form my hair.
  My breasts are quills of
  mimeograph ink.
  My feet bear casters,
  Buzz. Click.
  My head is a badly organized file.
  My head is a switchboard
  where crossed lines crackle.
  Press my fingers
  and in my eyes appear
  credit and debit.
  Zing. Tinkle.
  My navel is a reject button.
  From my mouth issue canceled reams.
  Swollen, heavy, rectangular
  I am about to be delivered
  of a baby
  Xerox machine.
  File me under W
  because I wonce
  was
  a woman.

  O Marge Piercy
  સેક્રેટરીનું કીર્તન

  મારા ઢગરા ટેબલ છે.
  મારા કાનમાંથી લટકે છે
  યુ-પિનની સાંકળ
  રબરબૅંડ મારા વાળ બન્યાં
  મારાં સ્તનો સાહીના ખડિયા
  પગ ખુરશીનાં પૈડાં છે
  ટડિંગ્.. ટડિંગ્. ક્લિક્

  મારું માથું વીંખાઈ ગયેલી ફાઇલ છે
  મારું માથું છે સ્વિચબોર્ડ
  જ્યાં છેદાતી લાઈનો તડતડે છે
  મારી આંગળીઓને દાબો
  મારી આંખોમાં દેખાશે જમા-ઉધાર
  ટડિંગ્.. ટડિંગ્

  મારી નાભિ છે નકારનું બટન
  મારા મોંમાંથી મેળવો રદ થયેલા કાગળિયા.

  સૂજેલ, ભારેખમ, ચોરસ
  હું એક બાળ ઝેરોક્ષ મશીનને જન્મ આપવાની તૈયારીમાં છું.

  મને ‘સ’ વર્ગમાં ફાઈલ કરજો
  કારણ હું એક સમયે
  સ્ત્રી હતી.

  O મર્જ પિએર્સી   અનુવાદ: યોગેશ વૈદ્ય
  સેક્રેટરીનું કીર્તન – આ ૧૯૭૩માં રચાયેલી અમેરિકન કવિતા એક ઑફિસ સેક્રેટરીના મુખમાં મુકાયેલી અને મૂળે એક નારીવાદી કવિતા છે. પ્રથમ પંક્તિથી જ આ કવિતા તેનો જલદ મિજાજ પ્રદર્શિત કરી દે છે. અમેરિકન કવયિત્રી મર્જ પિએર્સી તેના આવા મિજાજ માટે જાણીતાં છે. તેઓ કહે છે-
  મારા ઢગરા ટેબલ છે
  મારા કાનમાંથી લટકે છે
  યુ-પિનની સાંકળ
  રબરબેંડ મારા વાળ બન્યાં
  મારાં સ્તનો સાહીના ખડિયા
  પગ ખુરશીનાં પૈડાં છે
  અહીં જાણી-સમજીને જ કલ્પનોનો ઉપયોગ થયો છે. સ્તનો સાહીના ખડિયા છે. (સાહીના ખડિયા જેવાં નહીં) પગ ખુરશીનાં પૈડાં છે (ખુરશીનાં પૈડાં જેવા નહીં) થોડા વિચિત્ર અને નાટકીય લાગતાં કલ્પનો(મેટફર)ની એક લાંબી શૃંખલામાંથી પસાર થતાં થતાં કાવ્યનાયિકાનું માનવમાંથી અમાનવમાં રૂપાંતર ચિત્રીત થવા લાગે છે. જીવતા શરીરનું નિર્જીવ પદાર્થોમાં સ્થિત્યંતર અને સાથે સાથે આ જલદ કલ્પનો સુધી લઈ જતી પેલી ઊંડી માનવીય પીડા પણ આબાદ રીતે કવિતામાં પરોવાઈ ગઈ છે. મણકાની માળાને માળા બનાવી રાખતો અને છતાં નરી આંખે ન દેખાતો કોઈ દોરો જાણે. એક ભાવક તરીકે આપણે ઓવારણાં તો આ દોરાનાં જ લેવાનાં હોય છે.

  મારું માથું વીંખાઈ ગયેલી ફાઇલ છે

  ચૈતસિક પ્રતિક્રિયાઓનું થઈ ગયેલું આ ગાણિતિક/વ્યાપારિક રૂપાંતરણ જુઓ ;

  મારી આંગળીઓને દાબો
  મારી આંખોમાં દેખાશે જમા-ઉધાર

  આગળ તે કહે છે ;
  મારી નાભિ છે નકારનું બટન
  મારા મોંમાંથી મેળવો રદ થયેલા કાગળિયા

  જ્યાં વ્યક્તિ વ્યક્તિ મટીને મશીન બની જતી હોય ત્યાં ઓધાન પણ મશીનનાં રહેતાં હોય અને જન્મ પણ મશીનોના જ થતા હોયને !

  હું એક બાળ ઝેરોક્ષ મશીનને જન્મ આપવાની તૈયારીમાં છું.

  અહીં સુધી પહોંચતાં પહોંચતાં ભાવક પણ સહજતાથી જ સ્વીકારી લે છે આ અસ્વાભાવિક પ્રક્રિયાને. એક જીવતી-જાગતી વ્યક્તિ એક નિર્જીવ ઝેરોક્ષ મશીનને જન્મ આપે ત્યાં પેલા રૂપાંતરણના ચરમને પામી શકાય છે. અને જ્યારે એક વ્યક્તિ, વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં રહે જ નહીં ત્યારે..

  મને ‘સ’ વર્ગમાં ફાઈલ કરજો
  કારણ હું એક સમયે
  સ્ત્રી હતી.

  અહીં કવિતા થોડી બોલકી અને નાટકીય થઈ ગયેલી જણાય. પણ આજીવન બીજાઓના રુઆબ તળે પોતાના અવાજને દબાવી રાખનાર કોઈ સેક્રેટરી તેના મૌનની વિસ્ફોટક સ્થિતિએ પહોચે ત્યારે આવો વિચલિત કરી દેતો ‘ખખડાટ’ તો થવાનો જ.

Leave a Reply